જૂનાગઢ: ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
જૂનાગઢ: 18 નવેમ્બરથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ 1 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે આ ખરીદીને સ્થગિત રાખવામાં આવી હતી. જેને ફરીથી શરૂ કરવામાં આવી છે. ખરીદીના પ્રથમ દિવસે 50 જેટલા ખેડૂતોને મગફળીના વેચાણ માટે સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. કેટલાક ખેડૂતોની મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ના પસંદ થઇ છે. જેને કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જૂનાગઢ તાલુકામાં કમોસમી વરસાદ પડવાને કારણે હજુ વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેને કારણે ખેડૂતોની મગફળીમાં પણ આ સમસ્યા આવી રહી છે. ખેડૂતોમાં પણ હવે સરકારની મગફળી ખરીદીની જે નીતિ છે તેની સામે રોષ જોવા મળી રહ્યો છે.