જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ
જૂનાગઢઃ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઇ રહી છે, ત્યારે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે આજે સાંજે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન પૂર્ણ થવાની સમયમર્યાદા પૂરી થાય છે. પરંતુ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અત્યારે મગફળીની પુષ્કર આવક થઈ રહી છે, નીચામાં પ્રતિ 20 કિલોના 800 રૂપિયા અને ઊંચામાં 1050 રૂપિયાના ભાવે મગફળી વહેંચાય રહી છે. સરકાર દ્વારા નિર્ધારિત કરેલા 1055 ના ભાવની બિલકુલ લગોલગ ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. પરંતુ હવામાન વિભાગે જે પ્રકારે ચેતવણીઓ અને તકેદારી માટે ખેડૂતોને સાવચેત કર્યા હતા તેને કારણે મગફળીનો પાક બગાડયો નથી. આવી પરિસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 30 થી 40 હજાર બોરી જેટલી આવક થઈ રહી છે. વધુમાં ખેડૂતોને જે બજાર ભાવો મળી રહ્યા છે તે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવોની સમકક્ષ જોવા મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતોમાં પણ આ વર્ષે બજાર ભાવોને લઈને કોઈ મોટો અસંતોષ જોવા મળશે તેવું આજના દિવસે લાગી રહ્યું નથી.