કોરોના સંક્રમણ વધતા સેશન્સ કોર્ટમાં પક્ષકારો બાદ વકીલોના પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદઃ શહેરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજે હવે પક્ષકાર બાદ વકીલોને પણ કોર્ટમાં ન પ્રવેશવાનો આદેશ કર્યો છે. કોર્ટે જરૂરી કાગળ અને સોગંદનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોલીસ અધિકારીઓને સરકારી વકીલની કેબીનમાં ન આવવા અને ફોન પર વાતચીત કરવાની સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટ પરિસરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. આ અંગેનો એક પરિપત્ર મેટ્રો કોર્ટને પણ મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો.