ગાંધીનગરમાં કોંગ્રેસે મોંઘવારીના પગલે કર્યો વિરોધ પ્રદર્શન
ગાંધીનગર: રાજ્યમાં મોંઘવારી બેકાબુ બની છે. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો સાથે હાજર રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ સરકાર અને મોંઘવારીના નામના છાજિયા લીધા હતાં. રાજ્યમાં યોજાયેલી વિધાનસભા બેઠકની છ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવાર વિજેતા થયા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગાંધીનગર શહેરમાં કરવામાં આવેલા દેખાવમાં આજે પહેલી વખત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતાં. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર સેકટર 6 ખાતે સત્યાગ્રહ છાવણી મેદાનમાં કેન્દ્રની વર્તમાન સરકારની નિષ્ફળતાને કારણે સર્જાયેલી આર્થિક મંદી, બેરોજગારી, ભાવવધારો, બેન્કીંગ વ્યવહાર નષ્ટ જેવા મુદ્દાઓના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત ધરણા અને વિરોધ પ્રદર્શન દ્વારા "જન વેદના આંદોલન" ધરણાનો કાર્યક્રમ આજે રાજ્યભરમાં આપવામાં આવ્યો હતો.