પોરબંદરમાં માલધારી સમાજની મહિલાઓએ થાળી વગાડી સરકારનો વિરોધ કર્યો - અટકાયત
પોરબંદરઃ શહેરમાં છેલ્લા પંદર દિવસથી માલધારી સમાજનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. લોકરક્ષક ભરતીમાં માલધારી સમાજના યુવાનોને થયેલ અન્યાય બાબતે આ આંદોલન ચાલી રહ્યું છે. શુક્રવારે સોળમા દિવસે માલધારી સમાજની મહિલાઓએ સુદામા ચોકમાં થાળી વગાડી સરકાર સુધી અવાજ પહોંચાડી ન્યાય માટેની અપીલ કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કેટલીક મહિલાઓની પોલીસે અટકાયત કરી કિર્તીમંદિર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. માલધારી સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.