નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 133.97 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઈ - કેવડિયા
નર્મદા: ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં સોમવારના રોજ બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 133.97 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક થતાં નર્મદા ડેમના 23 ગેટને 2.5 મીટર ખોલી નર્મદા નદીમાં 5,52,290 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. ત્યારે નર્મદા ગાંડીતુર બનતા ફરી કેવડિયા પાસે આવેલ ગોરા બ્રીઝ ડૂબ્યો છે. જેને કારણે 8 ગામોને અસર પહોંચી છે અને ભરૂચ ,નર્મદા અને વડોદરાના 26 નદી કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. બીજી બાજુ નર્મદા નદીમાં મોટી માત્રમાં પાણી આવતા ગરુડેશ્વર પાસે બનાવેલ રિવર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ રિવર ડેમ ઓવર ફ્લો થતા આહલાદક વાતાવરણ બન્યું છે.