બાલાસિનોર: પાણીની આવકથી વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો - કડાણા ડેમ
બાલાસિનોર: ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં ડેમનું રુલ લેવલ જાળવવા મહી નદીમાં લાખો કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરીમાં આવેલ વણાકબોરી વિયર (આડ બંધ)માં પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. વણાકબોરી વિયરની જળ સપાટી હાલમાં 227.00 ફુટ નોંધાઈ છે અને વણાકબોરી ડેમમાં પાણીની આવક 50,000 ક્યુસેક છે, તો જાવક પણ 50,000 ક્યુસેક જોવા મળી રહી છે અને હાલ 50,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી વિયર ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને ઓવરફ્લો થતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. આ વણાકબોરી વિયર દ્વારા નડિયાદ, ઠાસરા, તારાપુર, ઉમરેઠ, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ તેમજ અન્ય તાલુકામાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેથી આ તાલુકાઓને પાણીનો લાભ થશે.