બારડોલી: ખેતરમાંથી દિપડાનું બચ્ચું ભાગતું હોવાનો વીડિયો થયો વાઈરલ - surat
બારડોલી: તાલુકામાં શેરડીના ખેતરમાંથી દિપડાનું બચ્ચું ભાગવાનો વીડિયો ખુબ વાઈરલ થયો હતો. જે અંગેની જાણ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને થતાં તેમણે બારડોલી વનવિભાગના ફોરેસ્ટ ભાવેશભાઇ રાદડીયાને જાણ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, ઉતારા-વધાવાથી મિઢોંળા નદી જવાને રસ્તે શેરડીના ખેતરો આવ્યા છે. જ્યાં બે દિવસથી એક ખેતરમાં શેરડી કાપણી ચાલી રહી છે. શુક્રવારના રોજ મજૂરોએ શેરડી સરળતાથી કપાય તે માટે શેરડી સળગાવી દીધી હતી. આ દરમિયાન ખેતરમાં એક દીપડાનું બચ્ચું મજૂરોને દેખાતા તેને બચાવવા માટે સળગતી શેરડીમાં દિપડાનું બચ્ચું સળગી ન જાય એટલે ખેત મજુરોએ બચ્ચાને બીજા ખુલ્લા ખેતર બાજૂ ભગાડી દીધું હતું. આ વિસ્તારમાં ઘણા સમયથી દિપડી અને બચ્ચા જોવા મળી રહ્યા હતા. પરંતુ કોઈ નુકસાન પહોંચાડતા ન હોય તેમજ જંગલી ભૂંડોનો પણ આ વિસ્તારમાં ત્રાસ હોવાથી કોઈને જાણ કરતા ન હતા. બારડોલી વનવિભાગના RFOને જાણ કરતા તાત્કાલિક વનવિભાગે ખેતરમાં પાંજરુ મુક્યું હતું.