મહિસાગરમાં BJP કાર્યકરની બર્થડે પાર્ટીમાં બીયર સાથે તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ - બર્થડે સેલિબ્રેશન
લુણાવાડાઃ મહીસાગરમાં ભાજપના યુવાન કાર્યકર જન્મદિનની ઉજવણીના એક પ્રસંગમાં જાહેરમાં બીયરની બોટલોમાંથી દારૂની છોડો ઉછળી અને તલવારથી કેક કપાઈ હોવાના એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાનો હોવાનું અનુમાન છે. આ કથિત વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવા મોરચાના કાર્યકર કવન પટેલનો તલવારથી કેક કાપીને ટોળા વચ્ચે જન્મદિન ઉજવવામાં આવ્યો છે. જન્મદિવસ ઉજવવો ખોટું નથી, પરંતુ પોલીસના જાહેરનામા મુજબ અનેક જિલ્લામાં તલવારથી કેક કાપવાની મનાઈ છે. વધુમાં રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતાં જાહેરમાં બીયરની બોટલોમાંથી દારૂની છોડો ઉછળતી જોવા મળી રહી છે. વધુમાં આ ઉજવણીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ હરકતમાં આવી તેમણે વીરપુર પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે dysp એ તપાસના આદેશ આપ્યા છે, ત્યારે કોરોના કાળમાં યુવાનો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવું જ રહ્યું.