આણંદ લોકસભાની ચૂંટણીમાં મિતેષ પટેલનું શહેરમાં વિજય સરઘસ... - election
આણંદઃ લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલને આવકારી લઈ પાર્ટી સમર્થકો દ્વારા વિજય સરઘસ શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યું હતું. આણંદ જિલ્લો કે જેને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે, ત્યાં દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસને લોકસભાની 2019ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. 2014માં દિલીપ મણીભાઈ પટેલ સામે ભરત સોલંકીને 63 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કે એવી પણ ચર્ચા થતી હતી કે મોદી લહેરમાં ભરતસિંહ સોલંકીની હાર થઇ છે. આ વખતે ઐતિહાસિક કહી શકાય તેવી અંદાજિત 2 લાખ મતોની લીડથી મિતેશ પટેલ જ્યારે ગણતરીના અંતિમ પડાવમાં આગળ હતા, ત્યારે સ્થાનિક સમર્થકોએ તેમની જીત ઘોષિત થયા પહેલા જ વિજય સરઘસથી વધાવી લીધા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો અને પક્ષના કાર્યકરોએ આણંદ વિદ્યાનગર રોડ પર વિજય સરઘસ કાઢી જીતનો ઉત્સવ મનાવ્યો હતો.