ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો
ઉમરપાડા: હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડા તાલુકામાં પણ સાંબેલાધાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માંગરોળ તાલુકામાં સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે કોસંબાથી માંગરોળ જતો સ્ટેટ હાઇવે પણ બંધ થઇ ગયો હતો. છેલ્લા બે કલાકમાં ઉમરપાડા તાલુકામાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. ભારે વરસાદના કારણે સુરતનું ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉમરપાડાથી કેવડી જતો માર્ગ પણ વરસાદી પાણી ભરાવાને કારણે બંધ થઇ ગયો હતો. જેને પગલે અનેક વાહનચાલકો અટવાયા હતા. હાલ સુધીમાં ઉમરપાડા તાલુકામાં મોસમનો કુલ 3229 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ તાલુકામાં 2029 એમએમ વરસાદ ખાબકી ચુક્યો છે.