પાટણમાં પુરૂષોત્તમ ભગવાનના મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
પાટણ: હિન્દુ શાસ્ત્રોમાં અધિક માસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અધિક માસમાં મહિલાઓ સમગ્ર માસ દરમિયાન ભગવાન પુરૂષોત્તમની પૂજા, અર્ચના, આરાધના અને કથા-કીર્તન કરે છે. પાટણ શહેરના કોઠા કુઈ વિસ્તારમાં આવેલી ગંગા માતાની વાડીમાં ભગવાન પૂર્ણ પુરૂષોત્તમનું મંદિર આવેલું છે. જેથી અધિક માસમાં અહીં ભગવાનના અનેક મનોરથો કરવામાં આવે છે. હાલમાં અધિકમાસ અંતિમ ચરણમાં છે, ત્યારે મંગળવારે મંદિર ખાતે ભગવાનના હિંડોળા દર્શન સાથે ભગવાનની સુંદર આંગી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભગવાનનું પારણું ઝૂલાવી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મહિલાઓએ સામુહિક રીતે મંદિરમાં અલગ-અલગ ધાન્યના સાથીયા પુરી તેની પૂજા-અર્ચના કરી હતી.