વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: આરોપી અશોક જૈન 16 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર
વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપી અશોક જૈનની પાલિતાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશોક જૈનના રિમાન્ડ મેળવવા તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રિમાન્ડના 11 મહત્ત્વના મુદ્દાઓ રજૂ કરાતા કોર્ટે આરોપી અશોક જૈનના 16 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આપને જણાવી દઈએ કે, વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી યુવતીએ પાવાગઢ ટ્રસ્ટ મંદિરના ટ્રસ્ટી રાજૂ ભટ્ટ અને જાણીતા CA અશોક જૈન સામે 19 સપ્ટેમ્બરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ પોલીસને સાથે રાખી આરોપી રાજૂ ભટ્ટની ધરપડક કરી હતી. ત્યારબાદ તાજેતરમાં SITની ટીમે તીર્થક્ષેત્ર પાલિતાણાથી અશોક જૈનની ધરપકડ કરી હતી. રાજૂ ભટ્ટના રિમાન્ડ પુર્ણ થયા બાદ તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, હવે આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધીનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરાશે. સહારાની ડીલમાં રોકાણકારોને ખુશ કરવા માટે આરોપી અશોક જૈન દબાણ કરતો હતો. તે અંગે પણ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે અશોક જૈનને સીમન ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવાશે. તો આ મામલે ચોંકાવનારી વિગતો બહાર એવી શક્યતા છે.