ઉત્તરાખંડમાં 3 દિવસથી વરસાદ પડતા રાત્રે 12 વાગ્યાથી વીજળી ઠપ
ઉત્તરાખંડના ચમોલીમાં છેલ્લા 48 કલાકથી પણ વધુ સમય થયો તેમ છતાં આજે ત્રીજા દિવસે પણ ભારે વરસાદ અને બરફ પડી રહ્યો છે. જોકે, ઉંચાઈવાળા વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાથી જિલ્લામાં તાપમાન ઘટવા લાગ્યું છે. તો નીચાણવાળા વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોકે, જનપદમાં સતત પડી રહેલા વરસાદના કારણે બદરીનાથ હાઈ-વે 11 સ્થળ પર કાટમાળ પડવાથી તેને બંધ કરી દેવાયો છે. જ્યારે ચમોલીના 17 ગ્રામ્ય રસ્તાને પણ કાટમાળ અને ભૂસ્ખલન થવાના કારણે બંધ કરી દેવાયો છે. બીજી તરફ ચમોલીની નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. જોકે, નદીઓ ખતરાના નિશાનથી કેટલાક મીટર નીચે વહી રહી છે. તો ચમોલીમાં મોડી રાત 12 વાગ્યાથી વીજળી પણ ઠપ થઈ ગઈ છે. આ તરફ જોશીમઠમાં ભારત કન્સ્ટ્રક્શન કંપનીમાં કાટમાળ ઘુસવાથી 4 મજૂર ઈજાગ્રસ્ત થયા છે. કર્ણપ્રયાગમાં પિંડર નદી ખતરાના નિશાનથી ત્રણ મીટર નીચે વહી રહી છે. જ્યારે અલકનંદા નદી ખતરાના નિશાનથી 2.12 અને નંદાકિની નદી પણ 3.25 મીટર નીચે વહી રહી છે. તેવામાં ચમોલી તંત્ર તરફથી બદરીનાથ ધામની યાત્રા પર આવતાજતા તીર્થયાત્રીઓની સાથે જ અન્ય લોકોને વાતાવરણ સારું થવા સુધી સુરક્ષિત સ્થળો પર રહેવાની વાત કહેવામાં આવી છે.