લુણાવાડામાં જાહેરનામાનો ભંગ કરનારી બે દુકાનો સીલ કરાઈ - જાહેરનામાનો ભંગ
મહીસાગરઃ લુણાવાડા શહેરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. લુણાવાડા શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતું અટકાવવા માટે લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોઢિયા દ્વારા લુણાવાડાના બજારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી દ્વારા દુકાને દુકાને જઈ દુકાનદારોને પૂછ પરછ કરવામાં આવી હતી. જેમાં બે કાપડની દુકાન અરવિંદ એમ્પોરિયમ અને મનીષ કાપડ સ્ટોર્સના માલિક કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોવા છતાં આ વેપારીઓ જાહેરનામનો ભંગ કરી સુપર માર્કેટમાં આવેલી પોતાની કાપડની દુકાન ખોલી જાહેરનામનો ભંગ કરી બજારમાં વેપાર કરતા હતા. જેથી પ્રાંત અધિકારીએ આ બે દુકાનો સીલ કરવાના આદેશ લુણાવાડા મામલતદારને આપ્યા હતાં. આ દુકાનદારો વિરુદ્ધ જાહેરનામના ભંગ બદલ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ કડક કાર્યવાહી અને ગમે તે સમયે કરવામાં આવતા ચેકીંગના કારણે બીજા વેપારીઓ પણ સતર્ક થઈ ગયા છે અને સરકારના જાહેરનામનો ભંગ ન થાય તેની કાળજી લઇ રહ્યા છે.