બનાસકાંઠાઃ દિયોદરમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ - news of banaskantha
બનાસકાંઠાઃ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠામાં સોમવારે સાર્વત્રિક વરસાદ થયો છે. ડીસા, પાલનપુર,અમીરગઢ સહિત સરહદી વિસ્તાર વાવ, થરાદ અને સુઈગામમાં પણ સારો વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લામાં એવરેજ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ખાસ કરીને દિયોદરમાં 2 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા અને દાંત સીપુ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ડેમમાં પાણીની આવક શરૂ થતાં જ પાણીના તળ ઊંચા આવશે. જેનો સીધો લાભ આજુબાજુના ખેડૂતોને અને જિલ્લા વાસીઓને થશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 50 ટકા જેટલો વરસાદ થયો છે, જ્યારે હજૂ પણ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેથી તંત્ર પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. આ ઉપરાંત પૂરના સમયે નુકસાનથી બચવા માટે જિલ્લામાં NDRFની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે.