બાયડ ATMમાંથી 32 લાખની ચોરી કરનાર ઝડપાયા
મોડાસાઃ એક માસ પહેલા બાયડ પોલીસ સ્ટેશનથી 700 મીટર દૂર આવેલા કોમ્પ્લેક્ષમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATMને ગેસ કટરથી તોડી રૂપિયા 32.81 લાખની ચોરી કરનાર બે શખ્સોને અરવલ્લી જિલ્લા LCBની ટીમે ઝડપી પાડયા છે. જ્યારે ચોરીમાં સામેલ એક યુવતી અને અન્ય આરોપી હજૂ પણ પોલીસની પકડમા આવ્યા નથી. પોલીસના જણાવ્યાનુસાર ATM ચોરીનો ભેદ આજુબાજુમાં રહેલા CCTV કેમેરા અને વાત્રક ટોલ પ્લાઝા સહિત અન્ય જગ્યાઓ પર લાગેલા CCTV ફૂટેજના આધારે ઉકેલવામાં જિલ્લા LCB PI નાગજી રબારી અને તેની ટીમને સફળતા મળી હતી. જિલ્લા LCB પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કાર નંબરના આધારે હરિયાણા ગુડગાંવ નજીકથી કાર સાથે પસાર થતા બે આરોપીઓ ઝાહિદ ખાન ઇસ્લામુદ્દીન ખાન અને મોમીન ખાન કયુમ ખાનને ઝડપી લીધા હતા. ATM ચોરીનો મુખ્ય આરોપી સોક્તઉદ્દીન અને સોનું નામની યુવતીને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ગુનાના કામમાં સંડોવાયેલ કાર કબજે લીધી છે જો કે, ATMમાંથી ચોરી કરેલ રકમ હજુ હાથ લાગી નથી.