જામનગરમાં પીવાના પાણી માટે તરસતું જોડિયાનું ખીરી ગામ - પાણીની અછત
જામનગર: જોડિયા તાલુકાના ખીરી ગામે દલિત વાસમાં છેલ્લા એકાદ વર્ષથી પીવા લાયક પાણી મળતું નથી. જે અંગે દલિતસમાજે અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી મહિલાને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આ અંગે વાત કરતાં સ્થાનિકે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, દર વર્ષે બધા જ પ્રકારના વેરા નિયમિત ઉઘરાવી લેવામાં આવે છે. પરંતુ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરાતી નથી. અમે આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી છે. પણ તંત્ર સહિત ધારાસભ્ય અમારી સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યાં છે, પણ જો આ વખતે અમારી રજૂઆત મામલે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.