યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને મંદિરને સુંદર લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું - લાઈટ ડેકોરેશન
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે આ વખતે જન્માષ્ટમીનો ઉત્સવ ખુબ જ સાવધાની પૂર્વક ઉજવવામાં આવશે. કોરોના મહામારીને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે ચાર દિવસ માટે દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોને પ્રવેશ આપવાની મનાઇ કરી હોવાથી યાત્રાળુઓ વગર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. પરંતુ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને લાઈટ ડેકોરેશનથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. જે દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર સુધી પણ નિહાળી શકાય છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર પુજારી પરિવાર દ્વારા મંદિરની તમામ વિધિઓ રાબેતા મુજબ જ કરવામાં આવશે. તારીખ 12ના સવારે 6 વાગ્યે મંગળા આરતી કરાશે, ત્યાર બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે દર્શન થશે, બપોરે 11 કલાકે ભગવાન દ્વારકાધીશના શ્રીગાર દર્શન થશે અને બપોરે 1થી 5 દ્વારકાધીશ મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીના દિવસે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન રહેશે. સાંજે 7.30 કલાકે દ્વારકાધીશની સંધ્યા આરતી તેમજ રાત્રીના 8.30 કલાકે શયન આરતી યોજાશે. રાત્રીના 12 કલાકે ભગવાન દ્વારકાધીશના જન્મ ઉત્સવની આરતી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર જ મુખ્ય મંદિરમાં રહેશે. આ તમામ કાર્યક્રમોને ભક્તો દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટની વેબસાઈટ ઉપર લાઈવ પણ નિહાળી શકશે જેની લિન્ક આ મુજબ છે. http://www.dwarkadish.irg/