ભરૂચમાં જૂના સરદાર બ્રીજમાં ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ કરાયો - ભરૂચ જિલ્લા
ભરૂચ: જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48નો નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રીજ અત્યંત જર્જરિત બની ગયો છે. જેને અનેક વખત રીપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. જો કે રાત્રીના સમયે કેટલાક ભારદારી વાહનો પણ આ બ્રીજ ઉપરથી પસાર થતા ફરી એક વાર જર્જરીત બન્યો છે. શનિવારની રાત્રે ભરૂચ તરફના છેડે ભંગાણ થયું હતું. જેનાં કારણે આ બ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. જૂના સરદાર બ્રીજમાં ડેમેજ થયાની જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. રાત્રિના સમયે ઝાડેશ્વર બ્રીજથી જ રસ્તો બંધ કરી તમામ વાહનોને નવા સરદાર બ્રીજ ઉપરથી પસાર કરવામાં આવ્યા હતા. જેને લઇને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ જુના સરદાર બ્રિજની રેલીંગ તૂટી જતાં બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યંત જર્જરિત બનેલ બ્રીજનું તાકીદે સમારકામ કરવામાં આવે એ જરૂરી છે.