રાજકોટમાં નવું 14મું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનશે, રાજ્ય સરકારની મંજૂરી - એરપોર્ટ પોલીસ સ્ટેશન
રાજકોટ: રાજકોટ- અમદાવાદ હાઇવે પર હીરાસર ગામ નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તાર રાજકોટના કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવતો હતો. પરંતુ આગામી દિવસોમાં એરપોર્ટનું નિર્માણ થનાર હોવાથી અહીં નવા પોલીસ મથકની જરૂરીયાત પણ ઉભી થઈ છે. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અહીં કુવાડવા પોલીસ મથક હેઠળ આવતા કેટલાંક વિસ્તારોનું વિભાજન કરી નવું એરપોર્ટ પોલીસ મથક બનાવવાની રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં કુલ 13 પોલીસ સ્ટેશન કાર્યરત હતા. પરંતુ નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનને મંજૂરી મળતા હવે 14મુ પોલીસ મથક પણ ટુંક સમયમાં કાર્યરત થશે.