બિરસા મુંડાની 144મી જન્મ જયંતીની વાલિયા નેત્રંગમાં ભવ્ય ઉજવણી - નેત્રંગમાં ભવ્ય ઉજવણી
ભરુચઃ વાલિયા-નેત્રંગ ખાતે બિરસા મુંડાની 144મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલિયાના બે સ્થળે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વાર વાલિયા ગામના ચાર રસ્તા અને વાલિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવાના ફાર્મ હાઉસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હસ્તે દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ કરી અનાવરણ કર્યું હતું. ચંદેરીયા ગામના વાઈટ હાઉસ ખાતે બીટીએસના પાંચમા સ્થપાના દિન અને બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી ઓજારો તેમજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા અને દિપક વસાવા, કિશોર વસાવા, રાજુભાઈ વસાવા, રજની વસાવા તેમજ સમાજના આગેવાનો સહીત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.