વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વાર 101 દિવસ બાદ ખુલ્યા, હરિભક્તોએ કર્યા દર્શન
ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના સ્વામિનારાયણ મંદિરના દ્વાર બુધવારથી ભાવિકો દર્શન કરી શકે તે માટે ખોલવામાં આવ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દરેક ભક્તોને સેનેટાઇઝિંગ કરી મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વડતાલ મંદિરમાં આશરે 1000 ઉપરાંત હરિભક્તો દ્વારા દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. મંદિર ખાતે ફક્ત દર્શન જ કરી શકાશે. મંદિરમાં ભોજનાલય તેમજ ઉતારા વિભાગ બંધ રહેશે. બુધવારે દેવશયની અગિયારસ હોવાથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. યાત્રાધામ વડતાલ મંદિરમાં ચાતુર્માસના વિશેષ નિયમ અનુસાર સવારથી સ્વામિનારાયણની ધૂનનો આરંભ થયો હતો.