મોરબીના પંચાસર ગામનો પુલ એક જ વરસાદમાં ધોવાયો, સ્થાનિકોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ - ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ
મોરબીઃ જિલ્લાના પંચાસર ગામે મેઈન રોડનો પુલ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા કડક પગલા ભરવાની માગ કરવામાં આવી છે. પંચાસર ગામમાં મેઈન રોડના પુલ માટે અંદાજીત રકમ રૂપિયા 2.55 કરોડ મંજૂર થયા હતા. પુલનું કામ અત્યંત ખરાબ થયું હોવાના કારણે પુલ સહિતનો રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો છે. આ પુલ બનાવવાનું કામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેન્ડર મારફતે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પુલ પરથી પસાર થઇ રહેલા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને જો અકસ્માત થાય તો જવાબદારો સામે કડક પગલા ભરવા સ્થાનિકોએ માગ કરી છે.