પંચમહાલના શહેરામાં આવેલા 66 kv વીજ સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયું - પંચમહાલ
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં ગત મોડી રાત્રે સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. જેથી 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. શહેરાનગરના ગોધરા રોડ પર આવેલા MGVCL 66 kv વીજ સબ સ્ટેશનમાં એક ફુટ જેટલો પાણી ભરાઇ ગયો હતો. જેના કારણે તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. એમાં 15 જેટલા વીજ ફીડર બંધ કરી દેવાતા 55 થી વધુ ગામોમાં અંધારપટ છવાયો હતો. એક બાજુ 66 kv વીજ સબ સ્ટેશનની પાસે જ MGVCL વિભાગની વહીવટી કચેરી પણ આવેલી એ કચેરીના પ્રાંગણમાં પણ એક ફુટ જેટલો પાણી ભરાતા અહીં ફરજ બજાવતા કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ મામલે વીજ વિભાગના ઉપરી અધિકારીઓને જાણ કરાતા ગોધરાથી અધિકારીઓનો સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. તાત્કાલિક ધોરણે સબસ્ટેશનમાં ભરાયેલા પાણીને દૂર કરવાની કામગીરી JCB મશીન વડે હાથ ધરવામાં આવી હતી. ત્યારે વીજ વિભાગના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ તમામ વીજ ફીડરો ચાલુ કરી દેવામાં આવ્યા છે.