સુરેન્દ્રનગર LCBની ટીમે 640 લીટર ડીઝલના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી - ડિઝલ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હાઈવે ઉપરથી ડીઝલ ચોરીના બનાવો બનતા રહે છે ત્યારે સાયલા તાલુકાના ગોસળ ગામના પાટિયા પાસે નાગરાજ ઢાબામાંથી LCBએ 640 લિટર ડિઝલનો જથ્થો ઝડપી પાડયો. જેની કિંમત રૂપિયા 56,320 છે. આ ઉપરાંત 3 લાખ રૂપિયાની કિંમતની એક કાર સહિત કુલ રૂપિયા 3,57,150ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર સાયલા તાલુકા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન LCB(local crime branch)ની ટીમ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ગોસળ ગામના પાટીયા નજીક આવેલા એક હોટલમાં દરોડો કરતા મૂળ બિહારના 32 વર્ષીય રામકૈલાશ શ્રીબહાદેવ શાહ તથા મુળીના 38 વર્ષીય ભરતભાઇ કનીરામભાઈ ગોંડલીયા મળી આવ્યા હતા. હોટલની પાછળના ભાગે કોઇપણ જાતના બીલ કે આધાર પૂરાવા વગરનું ડીઝલ મળી આવ્યું હતું. કુલ 3,57,150 રૂપિયાના મુદામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી સાયલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.