સુરતમાં ફેરિયાઓ અને સ્થાનિક સોસાયટીના લોકો વચ્ચે છૂટા હાથની મારામારી - ફેરિયાઓ
સુરત: શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટી બહાર દબાણ કરી ધંધો કરતા ફેરિયાઓ અને સ્થાનિક સોસાયટીના લોકો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, આ સોસાયટી બહાર દબાણ કરવામાં આવતું હોવાના કારણે લોકોએ ટકોર કરી હતી. જેને લઈ સોસાયટીવાસી અને ફેરિયાઓ વચ્ચે ચડભડ થતા મામલો બીચકયો હતો. જ્યાં ફેરિયાઓના ટોળાંએ સોસાયટીના ગેટમાં જબરજસ્તીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને હાથમાં લાકડી સહિતના સાધનો વડે લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ નગર સોસાયટીમાં મંગળવારના રોજ બનેલી આ ઘટના બાદ લીંબાયત અને પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે બંને વચ્ચે પોલીસ મથકની હદને લઈ ભારે માથાકૂટ પણ થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે સામ-સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.