400 વર્ષ પહેલા ઉજ્જૈનથી હરસિદ્ધિ માતાજીને રાજપીપળા લાવનારા મહારાજા વેરીસાલજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું - રાજપીપળામાં ગોહિલ વંશનું શાસન હતું
નર્મદાના રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં દર્શન માટે ભક્તો આવતા હોય છે. મહારાજા વેરીસાલજી ગોહિલ 419 વર્ષ પહેલા ઉજ્જૈનથી કુળદેવી હરસિદ્ધિ માતાજીની મૂર્તિ રાજપીપળા લાવ્યા હતા. ત્યારે રાજપીપળામાં આ મહારાજા વેરીસાલજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રજવાડી નગરી રાજપીપળામાં ગોહિલ વંશનું શાસન હતું. ત્યારે ગોહિલ વંશના કુળદેવી હરસિદ્ધિ માતાજી હતા. એટલે મહારાજાએ રાજવંત પેલેસમાં માતાજીનું સ્થાનક બનાવ્યું હતું. મહારાણા વેરીસાલજી મહારાજ હરસિદ્ધિ માતાજીની આરાધના કરવા વારંવાર ઉજ્જૈન જતા હતા. એવું કહેવાય છે કે, એક દિવસ મહારાજા વેરીસાલજી ગોહિલની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને વરદાન માગવાની વાત કહી હતી. ત્યારે મહારાજાએ માતાજીને રાજપીપળા આવવાની વાત કહી હતી અને માતાજી તેમની સાથે રાજપીપળા આવવા નીકળ્યા હતા. આ વાતને 419 વર્ષ થયા છે. રાજપીપળા આવતા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું. આજે પણ અહીં હરસિદ્ધિ માતાજી હાજરાહજુર છે. જોકે, મંદિરનું અનેક વાર સમારકામ કરાવવામાં આવ્યું છે. આજની પેઢી પણ આ ઈતિહાસ વિશે જાણે તે હેતુથી મહારાજાની પ્રતિમા અહીં મંદિરના પટાંગણમાં મૂકવામાં આવી છે. ત્યારે મહારાજાની આ પ્રતિમાનું મહારાજા રઘુવીરસિંહ અને યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે પૂજન કર્યું હતું.