કોરોના દેહશતના પગલે શામળાજી મંદિર આગામી દિવસોમાં રહેશે બંધ - કોરોના અપ ડેટ્સ
અરવલ્લીઃ કોરોના વાયરસ મામલે તંત્ર દ્વારા સલામતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે યાત્રાધામ શામળાજીના દર્શન પણ બંધ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટિમો દ્વારા સ્થળ પર મોકડ્રીલ યોજીને કોરોનનો ફેલાવો ધાર્મિક સ્થાન પર વધુ થઇ શકે છે તેવું સાબીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તારીખ 21 માર્ચથી 29 માર્ચ સુધી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરની અંદર ભગવાન શામળિયાની સેવા-પૂજા અને આરતી ચાલુ રહેશે પણ યાત્રિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. મંદિર પરિસરમાં આવેલા ત્રિલોકીનાથ મંદિરમાં પણ સ્થાનિક ટ્રસ્ટ દ્વારા 21થી 29 માર્ચ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.