ડાકોર રણછોડરાયજી મંદિરમાં વિજયાદશમી નિમિત્તે પરંપરા મુજબ બંધ બારણે શસ્ત્ર પૂજન કરાયું - Dakor Ranchodrayji temple
ખેડાઃ રવિવારના રોજ દશેરાને વિજયાદશમીના રોજ ભગવાન રણછોડરાયજીને સવારે કેસર સ્નાન કરાવી શ્રી રામચંદ્ર પ્રભુના સ્વરૂપનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવ્યો હતો. પ્રભુના શાસ્ત્રોને ગોમતીના પવિત્ર જળથી અભિમંત્રિત કરી શસ્ત્રોનું વિધિવત પૂજન કરી શુધ્ધિકરણ કરાવવામાં આવ્યું હતું. રણછોડરાય મંદિરના ભંડારી મહારાજના હસ્તે આ વિધિવિધાન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું. ડાકોર રણછોડરાય મંદિરના ધનુષ, બાણ , ઢાલ, તાવદાન, સુતપાલ, પાલખી, ઘોડા સહિતના આયુધોનું સવારે રાજભોગ સમયે શસ્ત્ર પૂજન ઘુમ્મટમાં શ્રીજીમહારાજ સન્મુખ સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી અગ્રણી સેવક આગેવાન તેમજ તાજેતરમાં જ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.