ગીરસોમનાથનો હેરાનગતિભર્યો પ્રવાસ, જુઓ Etv ભારતનો વિશેષ અહેવાલ... - bhavnagar somnath highway
ગીર સોમનાથઃ ગીર સોમનાથ માત્ર ગુજરાત નહીં દેશભરના લોકોને પણ આકર્ષતુ સ્થળ છે. વીકેન્ડમાં પ્રવાસમાં જવાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ પહેલી પસંદગી હોય છે. પરંતુ, તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે પીકનીકની મજા પીડાદાયક બની રહેશે. સોમનાથના દર્શન, સાસણના સિંહોની સફારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવના દરિયા કિનારે હવા ખાવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ફરી એક વખત વિચારી લેજો. કારણ કે, ગીરસોમનાથના હાઇવેની સ્થિતિ બિસ્માર બની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓને સાસણ અને સોમનાથ સાથે જોડતા જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર અડધાથી પોણા ફૂટ ઊંડા ખાડા પડયા છે. નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ માત્ર હાથ પર હાથ ધરીને બેસી રહે છે. દિવ સાથે સંલગ્ન ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની હાલત પણ પાયમાલ થઈ છે. નેશનલ હાઈવે ઓથોરીટી પણ જવાબદારી સ્વિકારવાના બદલે દિલ્હી ઓફીસથી મીડિયા સાથે વાત કરશે તેવું કહી હાથ અધ્ધર કરી લીધા હતાં. બીજી બાજુ વાહનચાલકોએ હાઈવે ઓથોરીટી સામે આક્રોશ ઠાલવ્યો હતો. ગીરસોમનાથના રસ્તાને કોઈને પણ મુંજવણ થાય કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો.