આધેડને તાપીમાં કુદતા જોઈને રીક્ષા ચાલકે તેની પાછળ કુદી જીવ બચાવ્યો
સુરતઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે, ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. પરંતુ અહીં કંઇક અલગ ઘટના બની છે. કતારગામમાં આવેલી લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને ટેલરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ તાપી નદીમાં કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને તાપી નદીમાં કુદતાં જોઇ તેની પાછળ રીક્ષ ચાલકે કુદીને આધેડને બચાવી લીધા હતા અને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટેલરીંગના કામ સાથે સંકળાયેલા હરેશભાઇ ઘણા સમયથી માનસિક મુંઝવણથી પીડાઇ રહ્યા હતા. હરેશભાઇએ બેન્કમાંથી હોમલોનની સાથે અન્ય લોન પણ લીધી હતી, જેથી કંટાળેલા હરેશભાઇએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે, રિક્ષા ચાલકનું ધ્યાન જતાં તે ભગવાન રૂપ સાબિત થયા હતા અને તેમણે હરેશભાઇનો જીવ બચાવ્યો હતો.