પોરબંદરમાં અત્યાર સુધીમાં 40 ઈંચ વરસાદ પડ્યો - 40 ઈંચ વરસાદ પડ્યો
પોરબંદરઃ જિલ્લામાં વરસાદે માઝા મૂકી છે, તેમ ગુરૂવારે રાતે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની માહિતી મુજબ ગુરૂવારથી શુક્રવાર સુધીમાં પોરબંદર જિલ્લાનો વરસાદ કુલ પાંચ ઇંચ પડ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકાનો મળી કુલ વરસાદ 40 ઇંચ જેટલો પડ્યો છે અને પોરબંદરના તમામ ડેમોમાં નવા નીર પણ આવી ગયા છે. તો શુક્રવારના રોજ પોરબંદરમાં કુતિયાણા તાલુકામાં આવેલ અમીપુર ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કુતિયાણા તાલુકાના અમીપુર અને પોરબંદર તાલુકાના ગરેજ રાતિયા અને બળેજ ગામના લોકોને નીચાણવાળા એરિયામાં ન જવા અને સાવચેત રહેવાની સૂચના આપી હતી. ડેમના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા. જે માટે લોકોને નદી ના પટમાં અવર જવર નહીં કરવા તથા માલઢોર વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર નહીં કરવા તથા જોખમી પ્રયાસ નહીં કરવા સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત સંબંધિત ગામોના તલાટી મંત્રીઓને પોતાના હેડક્વાર્ટરમાં હાજર રહેવા અને ગામ લોકોને સાવચેત રહેવાની જરૂરની સૂચના આપવાની કાર્યવાહી કરવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું. તો પોરબંદર તાલુકાના મજીવાણા ગામ પર હાઇવે પર પાણી આવી જતા એક કલાક સુધી જામનગરથી પોરબંદર આવતા વાહનો થંભી ગયા હતા અને એક કલાક બાદ પાણી ઉતરતા રસ્તો શરૂ થઈ ગયો હતો.