પાણીની શોધ માટે ખેતરમાં ફરતો વનનો રાજા સિંહ, વીડિયો થયો વાયરલ - lion
આકરી ગરમીને કારણે જંગલનો રાજા પણ થયો પરેશાન છે. માળીયા તાલુકાના એક ખેતરમાં આકરી ગરમીથી બચવા અને પાણીની શોધ માટે ખેતરમાં વનનો રાજા આમતેમ ફરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઈ જતા સમગ્ર વાતાવરણમાં ગરમીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ભારે ગરમીને કારણે માનવજાતથી લઈને પશુ-પંખી અને ઝાડ-પાન પણ સપડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે આજે સોશિયલ મીડિયામાં જંગલના રાજા સિંહનો એક વીડિયો વાઇરલ થયો છે. જંગલમાં આમ-તેમ ફરીને આકરી ગરમીથી જાણે કે અકળાઈને છાયાની શોધમાં ભટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. એક તરફ ગગન આગ ઓકી રહ્યું છે, તો બીજી તરફ પાણીની સમસ્યા પણ મોં ફાડીને ઉભી છે, ત્યારે જૂનાગઢ અને ગીર પંથકમાં આવેલા જંગલોના કુદરતી પાણીના ધોધ પણ આકરી ગરમીમાં સુકાઈ ગયા હોય, જેને કારણે જંગલનો રાજા તેની તરસ છીપાવવા માટે ખેતર તરફ આવ્યો હોય, તેવું વીડિયોને જોતા લાગી રહ્યું છે.