ધમધમતું શહેર સુરત આજે કોરોના વાયરસ સામે સ્વયંભુ બંધ - public curfew in surat
સુરત: હંમેશા ધમધમતું શહેર સુરત આજે કોરોના વાઇરસ સામે સ્વયંભુ બંધ છે. PM મોદીના જનતા કરફ્યૂને સુરતમાં જબરદસ્ત પ્રતિસાદ સુરતીઓએ આપ્યો છે. સુરતમાં વહેલી સવારથી જ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. જેના કારણે રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યા છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. રેલવે સ્ટેશન પર યાત્રીઓની સંખ્યા શૂન્ય હતી. કરણ કે, આજે ટ્રેન સેવાઓ બંધ છે. આ ઉપરાંત પાલિકાએ ST, સિટી, BRTS બસો પણ બંધ રાખવાનો નિર્ણય લેતા રસ્તાઓ પર લોકોની અવર જવર પણ ઘટી ગઈ છે. પ્રજા દ્વારા આજે ચુસ્ત પણે કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો છે. આ સાથે લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ પણ બંધ કરી દીધા છે. ખાસ કરીને હંમેશા ભરચક રહેનાર ડાયમન્ડ અને ટેક્સટાઇલ માર્કેટ પણ બંધમાં જોડાતા તમામ વિસ્તારો સૂમસામ જોવા મળી રહ્યા છે. ઇમરજન્સી સેવાઓ સાથે સુરતમાં મેડિકલ, દૂધની ડેરી અને કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. 24 કલાક જ્યાં મુસાફરોની અવર-જવર જોવા મળતી હતી તે સુરત એસટી ડેપોમાં પણ સન્નાટો છવાયેલો છે.