અમદાવાદમાં કોરોનાના પગલે સ્વયંભૂ બંધ રસ્તાઓ સૂમસાન
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન મોદી દ્વારા જનતા કરફ્યૂનો ચૂસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, તેના પગલે અમદાવાદમાં કરફ્યૂ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. શિસ્તબદ્ધ રીતે અને ચૂસ્તપણે સ્વયંભૂ અમલ કરવામાં આવનારા જનતા કરફ્યૂના પગલે રવિવારે વહેલી સવારથી જ રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા. આ ઉપરાંત રસ્તા ઉપર એકલદોકલ છુટા છવાયા વાહનચાલકો સિવાય સંપૂર્ણ સ્વેચ્છાએ બંધ સફળતાપૂર્વક જોવા મળ્યો હતો, પરંતુ આ શિસ્તબદ્ધ બંધના પગલે પણ આવશ્યક સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, પોલીસ, મીડિયા તેમજ સફાઈ કામદારો દ્વારા રસ્તાઓ ઉપર સફાઈ કામકાજ પણ ચાલુ જોવા મળ્યું હતું. આ પરથી એવું કહી શકાય કે, એકંદરે અમદાવાદની પ્રજા પણ પોતાની ફરજ સમજીને સરકાર સાથે કટિબદ્ધતાથી સાથે ઊભી રહેલી જોવા મળી હતી.