વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે ABVP નું વિરોધ પ્રદર્શન - ABVP News
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલા દરેક ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ માટેની સીટમાં 25 ટકા વધારો કરવાની ABVP દ્વારા માગ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થઈને પોતાના ભવિષ્યની આગામી બેચલરની ડિગ્રી મેળવવા માટે એડમિશન લઇ રહ્યા છે પણ જો સીટ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિ.માં એડમિશન લેવા માટે મજબૂર બનશે અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના માતા પિતા પર ખૂબ જ આર્થિક ભારણ વધશે. 25 ટકા સીટ વધારવા માટે અગાઉ આપેલા આવેદન પર હજી સુધી કોઈ પણ નિર્ણય આવ્યો ન હોવાથી મંગળવારે ABVPના કાર્યકર્તાઓ દ્વારા આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સીટમાં 25 ટકાનો વધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં વિદ્યાર્થીઓના હક માટે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.