અંકલેશ્વરના પિરામણ બ્રિજ પાસે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડાતા પર્યાવરણ પ્રેમીમાં રોષ - પ્રદુષિત પાણી છોડાતા
ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરના પિરામણ બ્રિજ પાસે આમલાખાડીમાં ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની જૂની લાઇન મારફતે પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પ્રકૃતિ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો છે. અંકલેશ્વરના પિરામણ ગામ પાસેથી આમલાખાડી પસાર થાય છે, છેલ્લા ઘણા સમયથી આ ખાડીમાં કંપનીઓ દ્વારા તેને પ્રદુષિત ખાડી બનાવી દેવામાં આવી છે, ત્યારે શુક્રવારના રોજ આ ખાડીને પ્રદુષિત બનાવવામાં આવતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઝધડીયા જી.આઈ.ડી.સી.ની પ્રદુષિત પાણીનું વહન કરતી જૂની લાઇન અંકલેશ્વરના પિરામણ ગામના અંડર બ્રિજ સ્થિત આમલાખાડી પાસે પ્રદુષિત પાણી ઠલવાતું હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બંધ લાઇનમાં પ્રદુષિત પાણી વહેતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી પ્રકૃતિ પ્રેમી સલિમ પટેલ અને હરેશ પરમાર સ્થળ પર દોડી આવી હતા અને તપાસ કરી હતી જેઓએ આ પ્રદુષિત પાણી નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા છોડવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા અને ત્વરિત આ પ્રદુષિત પાણી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેઓએ આ અંગે કોર્ટ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.