બનાસકાંઠામાં કુંભારિયા અને જિતપુર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ, વિવાદના કારણે દલપુરા બેઠકની ચૂંટણી મોકૂફ - અંબાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી બેઠકો માટે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લામાં દાંતા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો કુંભારિયા, જીતપુર અને દલપુરા માટે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ દલપુરા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. દલપુરામાં ભરાયેલા ઉમેદવારી ફોર્મના ઉમેદવારો વિવાદમાં સપડાતા આ બેઠકની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. જોકે, કુંભારિયા અને જિતપુર બેઠકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. જોકે, આ તમામ બેઠકો મહત્તમ આદિવાસી વિસ્તારની જ છે, જેને લઈ પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ મતદાનમથક પાસે આરોગ્યની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. જિલ્લામાં મતદાન શરૂ થતા મહિલા મતદારો અગ્રેસર જોવા મળી રહી છે.