ડીસામાં સી.આર.પાટીલના આગમન પૂર્વે ગૌશાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - બનાસકાંઠાની ગૌશાળામાં પોલીસ બંદોબસ્ત
બનાસકાંઠા: જિલ્લામાં ગુરુવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુલાકાતે આવવાના છે, ત્યારે વિવિધ સ્થળોએ તેમના આગમનને લઇ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. પાલનપુર ખાતે NSUIએ ફી મુદ્દે સી.આર.પાટીલનો વિરોધ કર્યો હતો. જેમાં પોલીસે 10 NSUI કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત ડીસાના પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલક દ્વારા બુધવારે રાત્રીના સમયે સી.આર.પાટીલના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ ભાજપ કાર્યકર્તાએ આ તમામ બેનરો હટાવી લીધાં હતા. જે બાદ ગુરુવારે સવારથી જ ગૌશાળાના સંચાલકો ગાયોના સહાય મુદ્દે વિરોધ પ્રદર્શન ન કરે તે માટે સવારથી જ ગૌશાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગે ગૌશાળાના સંચાલક ભરત કોઠારીએ ETV BHARATને જણાવ્યું હતું કે, ભાજપ અધ્યક્ષના આગમનને લઇ ગૌશાળા દ્વારા કોઈ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવાનું નહોતું, છતાં પણ ભાજપના નેતાઓ દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.