પાટણ એસ કે બ્લડ બેન્ક દર્દીઓને રિપ્લેશ વગર બ્લડ આપશે - બ્લડ બેન્ક
પાટણ: કોરોના મહામારીને પગલે રોટરી કલબ ઓફ પાટણ સંચાલિત એસ.કે બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને રિપ્લેસમેન્ટ વગર બ્લડ આપવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સાથે બ્લડ સેન્ટરમાં ભીડ ન થાય તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયું છે. જેને પગલે ઠેરઠેર સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. પાટણની બ્લડ બેન્ક દ્વારા સુરક્ષાની સાથે દર્દીઓ ને રક્ત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્લડ બેન્કમાં રક્તનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે. કોઈ પણ દર્દીના સગાએ રક્ત જમા કરાવ્યા વગર બ્લડ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ બેન્કમાં આવતા સ્વૈચ્છિક રક્તદાતાઓ તથા બ્લડ લેવા આવનાર દર્દીઓના સગાઓ બ્લડ સેન્ટરમાં પ્રવેશ સાથે જ સેનેટાઇઝરથી હેન્ડ વોશ કરવામાં આવે છે. તેમજ ડોનર કોચ, સીટીંગ એરિયાને પણ જંતુમુક્ત રાખવાની કાળજી લેવામાં આવી રહી છે. આગામી સમયમાં જો બ્લડના સ્ટોકની અછત સર્જાય તો જાહેર રક્તદાન શિબિરના સ્થાને નાના નાના સમૂહમાં રક્તદાતાઓને બ્લડ સેન્ટરમાં બોલાવી સ્ટોક જાળવી રાખવામાં આવશે.