રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રિ-ઓડિટના પરિપત્રનો વિરોધ - સામાન્ય સભા
રાજકોટઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જો કે, આ સભા વર્તમાન પ્રમુખ અલ્પા ખાટરિયાની ગેરહાજરીમાં મળી હતી. સભા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રિ ઓડિટના પરિપત્રનો જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. સરકારના 1988ના પરિપત્ર મુજબ જિલ્લા પંચાયતમાં વિકાસના કામોના વર્ક ઓર્ડર અને બિલોનું પ્રિ ઓડિટ કરવામાં આવે છે. તેમજ તાલુકા કક્ષા લેવલે 15 હજાર ઉપર અને જિલ્લા કક્ષાએ 40 હજાર ઉપરની રકમના કામમાં પ્રિ એડિટ કરવાની પ્રથા છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ પદ્ધતિમાં સુધારો કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વર્ક ઓર્ડરના પ્રિ ઓડિટના બદલે ચેક લિસ્ટ ભરવાની પ્રથા દાખલ કરવામાં આવી છે. જે અંગેના પરિપત્ર સામે મોટાભાગના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. આજની સામાન્ય સભામાં DDO દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રિ ઓડિટના પરિપત્રના અમલને મોકૂફ રાખવા અને જૂની પદ્ધતિ ચાલુ રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.