ખેડાના મહેમદાવાદમાં નવરાત્રિના આઠમના દિવસે જોવા મળી કોમી એકતા, દરગાહની અંદર ખોડિયાર માતાની કરાઈ પૂજા
ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં એક તરફ દરગાહ અને બીજી તરફ માતાજીની માંડવીની પૂજા-અર્ચના જોવા મળી રહી છે. અહીં આવેલી દરગાહમાં વર્ષોથી ખોડિયાર માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યારે હાલમાં ખોડિયાર માતાજીની માંડવીની સ્થાપના અંદર કરવામાં આવી છે. ત્યારે નવરાત્રિના આઠમના પવિત્ર દિવસ નિમિત્તે ગામના સરપંચ અને યુવક મંડળે ખોડિયાર માતાજીની શોભાયાત્રા યોજી હતી. દરગાહની અંદર માંડવી માતાજી પાસે નૈવેદ્ય અને શ્રીફળ વધેરીને પાછળના ભાગમાં ખોડિયાર માતાજીની ધજાની સ્થાપના કરવામાં આવી હતી. ગામના સરપંચે જણાવ્યું હતું કે, વર્ષેથી અહીં રાસ, ગરબા અને ભવાઈના કાર્યક્રમો ચાલે છે. અહીં બંને ધર્મના લોકો પોતપોતાના તહેવારે આવીને પૂજા-અર્ચના કરી રહ્યા છે, જે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે.