ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખેડાના કપડવંજ પાસેની વાત્રક નદીમાં નવા નીર - નવા નીર
ખેડાઃ જિલ્લાના કપડવંજ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નવા નીર આવ્યા છે. જેને પગલે હાલ નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે નદીની મધ્યમાં આવેલ દેવ ડુંગરી માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યું છે. તંત્ર દ્વારા નદી કીનારાના વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તેમજ આસપાસ રહેતા રહીશોને નદીમાં નહીં ઉતરવાની સૂચના આપવામાં આવી છે. નદી બે કાંઠે થતા નદીમાં પાણીની આવક જોવા લોકો ઉમટી રહ્યા છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નદી બે કાંઠે થતા તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને સાવચેતી રાખવાની સુચના આપવામાં આવી છે.