વરસાદે ખમૈયા કરતા ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યાં... - અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી
અમદાવાદઃ નવરાત્રીના ત્રીજા દિવસે વરસાદના વિરામ બાદ પાર્ટી પ્લોટમાં ગરબાનો રંગ જામ્યો હતો. શહેરના તમામ પાર્ટી પ્લોટમાં ભારે ભીડ જોવા મળી હતી. પહેલા બે દિવસ વરસાદના કારણે ખેલૈયાઓ ગરબા રમી શક્યા નહોતા. જેથી ત્રીજા દિવસે ગરબા રમાવા માટે ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી. નવરાત્રીની કેટલાય સમયથી રાહ જોતા ગરબા રસિયાઓ વિવિધ પોશાકમાં ગ્રુપ સાથે કલબ અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવા પહોંચ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગીતાંજલી પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પહોંચ્યા હતા. આમ, વરસાદે વિરામ લેતાં ગરબા પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.