મહિલાને લાત મારનાર MLA થાવાણીનું નાટક, મહિલાને બહેન બનાવી મીઠાઈ ખવડાવી - NCP
નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે મહિલાને લાતો માર્યા બાદ હવે તેની પાસે રાખડી બંધાવી છે. તેમજ મહિલાને નાની બહેન ગણાવી તેની સાથે નાટકીય રીતે સમાધાન કર્યું છે. ગઇકાલે જે મહિલા રજૂઆત કરવા આવી હતી તેની સાથે અભદ્ર વર્તન કર્યા બાદ આજે NCPના એક આગેવાનના ઘરે બલરામ પહોંચ્યા હતા. જ્યાં ભોગ બનનારી મહિલા પહેલાથી જ હાજર હતી અને ત્યાં પહોંચ્યા બાદ બલરામ થાવાણી એ તે મહિલા સાથે બંધ બારણે બેઠક કરી હતી. બંધ બારણે પહેલાથી જ જાણે કે નક્કી હોય તેમ રાજકીય સેટિંગ કર્યું કે કેમ પણ આ બાદ બંને મીડિયા સમક્ષ આવી તેને નાની બહેન બનાવી તેની રક્ષા કરશે તેમ કહ્યું હતું. મીડિયાએ પણ તેઓને સવાલ કરતા તેઓ જવાબ આપવાનું ટાળી ત્યાંથી પલાયન થઇ ગયા હતા. બીજી તરફ ભોગ બનનાર મહિલાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે રાખડી બાંધી અને બલરામ થાવાણીનું મો મીઠું કરાવ્યું હતું અને જાણે કે કઈ થયું જ ન હોય તેમ બંને ત્યાંથી નીકળી ગયા હતા.