મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ પર ઉતરવાની ચીમકી
રાજકોટ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના રોડ રસ્તાઓ તૂટી ગયા છે. હાઈવે તૂટી ગયેલો હોવાથી માલ પરિવહન કરતી વેળાએ સિરામિક ટાઈલ્સને નુકસાન થાય તો તેના માટે ટ્રાન્સપોર્ટર જવાબદાર રહેશે નહી તેવી લેખિત જાણ કરીને મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાત આહીરે મોરબી સિરામિક એસોસિએશનને પત્ર લખી જણાવ્યું છે કે, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ, વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ, રાજકોટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને ગાંધીધામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માલના પરિવહન દરમિયાન બ્રેકેજ અને ડેમેજ માટે ટ્રાન્સપોર્ટર કે, લોરી ઓનર જવાબદાર રહેશે નહી. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સિરામિક એસોસિએશનને વિનંતી કરવામાં આવી છે કે, દરેક કંપનીઓને ટ્રક ભાડા સહિતનો ફૂલ વીમો લે. આ અંગે 9 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. 10 સપ્ટેમ્બરથી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી આપી છે.