મોરારી બાપુ દ્વારા રામમંદિરમાં 5 કરોડના અનુદાનની જાહેરાત - શ્રી પિઠોરીયા હનુમાન મંદિર
ભાવનગરઃ તલગાજરડાના શ્રી પિઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી 846મી રામકથામાં આજે તુલસી જયંતીના પાવન દિવસે કથાકાર મોરારિબાપુએ એક મહત્વની જાહેરાત કરી હતી. સમગ્ર હિંદુ સમાજ માટે જે આસ્થાનું કેન્દ્ર છે તેવું એક ભવ્ય શ્રી રામમંદિર શ્રી અયોધ્યાજી ખાતે નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિરનું પૂજન આગામી 5 ઓગસ્ટને દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હસ્તે થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ સમગ્ર વિશ્વ માટે આનંદદાયક છે. રામમંદિરના નિર્માણમાં ચિત્રકૂટધામ ટ્રસ્ટ-તલગાજરડા દ્વારા હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારીબાપુ તરફથી પાંચ કરોડનું અનુદાન કરવાની જાહેરાત કરાઈ છે. આ અંગેની જાહેરાત કરતાં બાપુએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ ટ્રસ્ટ તો હર હમેશ રાષ્ટ્રીય કાર્યોમાં પોતાનો સહયોગ આપે છે અને રામકથાના વૈશ્વિક શ્રોતાઓની પણ માંગણી હતી કે આવા કાર્યમાં સૌને સામેલ કરવામાં આવે. રામકથાના શ્રોતાઓની લાગણીને ધ્યાનમાં લેતાં ચિત્રકૂટધામ ટ્રસ્ટ તેમજ બાપુની રામકથાના શ્રોતાઓ દ્વારા પાંચ કરોડનું અનુદાન શ્રી રામમંદિર ટ્રસ્ટને મોકલવામાં આવશે.