નવસારીમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
નવસારી : નવસારીમાં વધતા જતાં કોરોનાના કેસોને અટકાવવા નવસારી-વિજલપોર નગરપાલિકા અને ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સવારથી જ શહેરના બજારોમાં દુકાનદારો દુકાન ખોલાવી કે નહીં એની અવઢવમાં જણાયા હતા. જ્યારે 30 ટકા દુકાનદારોએ લોકડાઉનને ભુલીને પોતાની દુકાનો ચાલુ રાખી હતી. જો કે, શહેરમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જેથી લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે, રવિવારે શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન સફળ રહે એવી સંભાવના વર્તાઈ રહી છે. સાથે જ શહેરમાં રવિવારથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગશે. શનિ-રવિના સ્વૈચ્છિક લોકડાઉન અને કર્ફ્યૂથી લોકો જાહેરમાં ફરતા ઓછા થાય અને કોરોનાની ચેઇનને તોડવામાં સફળતા મળશે એવી આશા આગેવાનો સેવી રહ્યા છે.