વડોદરા ખાતે રાજયકક્ષા પ્રધાન યોગેશ પટેલે શાસ્ત્રોક વિધિ અનુસાર હોળી પ્રગટાવી - હોળી
વડોદરા : આસુરી સહંકાર ઉપર ભક્તિની શક્તિના વિજ્યનું મહાપર્વ એવી હોળીની આજે સમગ્ર શહેર-જીલ્લામાં ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર નાની મોટી છાણાની હોળી ગોઠવીને નિયત મુહૂર્તમાં વિધિવત પ્રગટાવવામાં આવી હતી. આ સાથે શ્રધ્ધાળુઓએ પ્રજ્વલિત હોળીમાં શ્રીફળ, ખજુર, ધાણી, દાળીયા વગેરે હોમીને હોળીની પ્રદક્ષિણા કરી હતી. હોળીની જાળના આધારે આગામી ચોમાસાની ભવિષ્યવાણી નક્કી કરવામાં આવે છે. ભક્ત પ્રહલાદ, રાજા હિરણ્ય કશ્યપ અને હોલિકાની લોકવાયકા સાથે જોડાયેલા હોળી પર્વ વેળાએ શહેરીજનોએ, સોસાયટી અને પોળના નાકે નિયત મુહૂર્ત પર હોલિકા દહન કર્યું હતું, ત્યારે છેલ્લા 37 વર્ષોથી હોળી પ્રગટાવી પૂજા અર્ચન કરતાં રાજયકક્ષાના પ્રધાન યોગેશ પટેલે રાવપુરા સ્થિત તેમના નિવાસસ્થાને પોળના નાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળી પ્રગટાવી હતી.